Thursday, November 30, 2017

એક સત્ય ઘટના - `મનોજ'

વર્ષ હતું ૨૦૦૧-૨૦૦૨. સ્થળ હતું હોસ્ટેલનું ભોજનાલય, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા. હું એ સમયે અનુસ્નાતક સ્તરે અભ્યાસ કરતો હતો. દરરોજ જમતી વખતે મારી નજર ભોજનાલયમાં કામ કરતા લોકો પર પડતી. કેટલાક તો બાળકો જેવાં હતાં. એક છોકરો થાળી લૂછતો. એ એના કામમાં મસ્ત હોય. મહીને ૬૦૦-૭૦૦ રૂપિયા  એને મળતા હોય અને  રહેવા અને જમવાનું ભોજનાલયમાં મફત. મેલાં જૂનાં કપડાં પહેર્યા હોય. ગરીબ છોકરાનું શબ્દચિત્ર આપી લેખની સુંદરતા નથી વધારવી! તેની સાથે વાત કરવાનું મને મન થતું. દરરોજ સ્મિતનું આદાન-પ્રદાન તો થતું જ.  એક દિવસના સંવાદો કૈંક આવા હતા-
``શું નામ છે તારું?"
``મુન્નો."
``સાચું નામ?"
``મનોજ."
એને એનાં જીવનમાં ક્યારેય કોઈએ સાચા નામથી નહિ બોલાવ્યો હોય! થોડા દિવસ પછી મેં ફરી વાતચીત આગળ વધારી,
``મનોજ, વાંચતા-લખતા આવડે છે?"
``નહિ."
``શીખવું છે?"
``અમારે દિવસે ટાઈમ ના હોય."
``રાતે તો ભણાય ને? કામ પૂરું થાય પછી."
``રાતે કોણ ભણાવે?"
``અરે, તું તૈયાર તો થા હું ભણાવીશ!"
``પણ બહુ મોડું થઇ જાય રાતે."
``સારું, ખાલી રવિવારે ભણીએ તો? ફીસ્ટ હોય ત્યારે સાંજે જમવાનું નથી બનતું. ત્યારે તો વાંચતા લખતા શીખી શકાય."
``પણ મારી પાસે પેન-કાગળ કાંઈ નથી."
``એ તો હું આપીશ"
``હું નાનો હતો ત્યારે થોડા દિવસ સ્કુલે ગયો હતો."
``સરસ, એટલે ફરી શરું કરવું અઘરું નહિ લાગે."
``પણ મને કોણ ભણાવશે?"
``કહ્યુંને, હું જ ભણાવીશ!"
તમામ સમસ્યાઓનું સમાધાન થયું, પછી થોડી ક્ષણો તેણે મૌન પાળ્યું. છેલ્લે મનોજે મૂળ પ્રશ્ન પૂછ્યો,
``મફત?"
મારા શરીરમાંથી જાણે એક વીજપ્રવાહ પસાર થયો! મૂડીવાદની આ કઈ હદે આપણો સમાજ પહોંચ્યો છે કે એક ગરીબ બાળકને પણ કલ્પના નથી આવતી કે તેને કોઈ પરિચિત વ્યક્તિ  મફત ભણાવી શકે!
પછી થોડા દિવસ એ ભણ્યો પણ ખરો.

Monday, November 20, 2017

સામીપ્યની જોડણી


“..... પુસ્તકમાં ‘સામીપ્ય’ શબ્દની જોડણી ખોટી છે, સામીપ્ય શબ્દમાં ‘મી’ દીર્ઘ આવે, પુસ્તકમાં હ્રસ્વ ‘મિ’ છપાયો છે.”
“પણ સાહેબ, મેં વાંચ્યું છે કે ઈ-કાર પછી જો ‘ય’ આવે તો એ હ્રસ્વ કરવો, જેમ કે, ‘ફરિયાદ’ શબ્દમાં ‘ર’ હ્રસ્વ ઇ સાથે આવે છે.”
“તારા જેવા અધૂરા જ્ઞાન વાળાથી આવી ભૂલ થતી હોય છે. બીજા એક વધુ પાયાના નિયમ મુજબ એક શબ્દમાંથી બીજો શબ્દ બને ત્યારે જોડણી મૂળ શબ્દ ને અનુસરે છે. ‘સમીપ’ શબ્દમાંથી ‘સામીપ્ય’ શબ્દ બન્યો છે અને ‘સમીપ’ શબ્દમાં ‘મી’  દીર્ઘ છે......”
શિક્ષક વિદ્યાર્થી વચ્ચેના આ સંવાદો કઈ વિદ્યા શાખાના હોય એવું લાગે છે? ૧૨માં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં ગણિતના એક શિક્ષક અને તેના વિદ્યાર્થી વચ્ચેના આ સંવાદો છે. અવસર હતો કલનશાસ્ત્રની શરૂઆત કરવાનો અને શિક્ષક ભણાવતાં હતાં સામીપ્ય(Neighbourhood)ની વ્યાખ્યા. કલાનશાસ્ત્રને અંગ્રેજીમાં કેલક્યુલસ (calculus) કહે છે. જો ગણિતની સાથે સાથે આટલી સુક્ષ્મતાથી ગુજરાતી ભાષાની પણ ચર્ચા થતી હોય ત્યારે એ ગણિતનો ખ્યાલ પણ વધુ સ્પષ્ટ થાય છે અને ભાષાને થોડો પ્રાણવાયુ મળે છે. ગણિત સ્વતંત્ર વિષય કહી શકાય, તે છતાં ભાષાથી મુક્ત નથી! કાળક્રમે વિદ્યાશાખાઓ એટલી સાંકડી થઇ છે, કે વિદ્યાશાખાઓ વચ્ચેના સંવાદની તાતી જરૂરિયાત ઉભી થઇ છે અને એ વર્તમાન સમયનો પડકાર છે. જો આ પડકાર આપણે નહિ ઝીલીએ તો વિદ્યાશાખાઓનું આયુષ્ય ઘટી શકે છે.
તા.ક. ઉપરના લખાણમાં કે આ વાક્યમાં જોડણી કે વ્યાકરણની ભૂલ નથી એવું માનવું નહિ!